અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી સગીર છોકરીના ફોટો કોલગર્લ તરીકે અપલોડ કરનાર ધો-10 સુધી ભણેલા યુવકનું કારસ્તાન ખુલ્લુ પાડી આરોપીને શનિવારે ઝડપી પાડ્યો હતો. છોકરીના ફોટો ફેક પ્રોફાઈલમાં મૂક્યા બાદ સેક્સ ર્સિવસ મીટિંગ આપવા માટેનો મેસેજ મૂકી આરોપીએ સર્વિસ માટે એડવાન્સ રૂપિયા 500 જમા કરાવવા પેટીએમ નંબર પોસ્ટ કર્યો હતો.

આમ સેક્સ સર્વિસના નામે આરોપી ઠગાઈ પણ આચરતો હતો. આ અંગે છોકરીની માતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.સાયબર ક્રાઈમ બ્રાંચે મૂળ રાજસ્થાનના શિરોહીનો વતની અભિષેક નારાયણલાલ રાવલ ભુમિ એપાર્ટમેન્ટ, ઉત્તમનગર, નિકોલ રોડ બાપુનગરમાંથી આ ગુનામાં ઝડપી પાડ્યો છે. 




સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમને અભિષેકે અન્ય યુવતીના ફોટો પણ ફેક પ્રોફાઈલ પર અપલોડ કર્યાની વિગતો મળી છે. પોલીસે પાઠક અટકધારી યુવતીની ઓળખ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે હજુ સુધી આ યુવતીના પરિવારજનોએ કોઈ ફરિયાદ કરી નથી.