અરબી સમુદ્રમાંથી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા તૌક્તે વાવાઝોડાથી કોઈ નુકસાન ના થાય તે માટે અમદાવાદ એરપોર્ટ આજે 17મી મેના સાંજના 7.30 વાગ્યાથી લઈને આવતીકાલ એટલે કે 18 મેના સવારના પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તૌક્તે વાવાઝોડુ મુંબઈ નજીકથી પસાર થયુ ત્યારે પશ્ચિમ ભારતમાં સૌથી વ્યસ્ત એવા મુંબઈ એરપોર્ટ પણ સાવચેતીના ભાગરૂપે કેટલાક કલાક માટે બંધ કરી દેવાયુ હતું. મુંબઈ એરપોર્ટ પહેલા ચાર વાગ્યા સુધી અને પછી સમય વધારીને સાંજના છ વાગ્યા સુધી બાદમાં આઠ વાગ્યા સુધી ફ્લાઈટના આવન જાવન બંધ કરી દીધી હતી.
અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તૌક્તે વાવાઝોડાની કોઈ ગંભીર અસર ના થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આશરે 10 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તૌક્તે વાવાઝોડુ આજે રાત્રે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકવાનું છે ત્યારે તેની 165 કિલોમીટરની ઝડપે ફુકાતો પવન વધુ કોઈ નુકસાન ના કરે તેના માટે સાવચેતીના પગલા લેવાયા છે.
આજે સવારે સુરતનું એરપોર્ટ પણ ફ્લાઈટના આવન જાવન માટે બંધ કરી દેવાયુ હતું. આમ મુંબઈ અને સુરતની માફક જ અમદાવાદનું એરપોર્ટ પણ 17મી મે 2021ની સાંજના 7.30 કલાકથી 18મી મે 2021ની સવારના પાંચ વાગ્યા સુધી ફ્લાઈટ બંધ કરી દેવાઈ છે.
ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.
વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રે વાવાઝોડું દિવ નજીક ટકરાશે. જેથી મોટું નુકસાન થવાનો પણ અંદાજ સેવવામાં આવ્યો છે. આ સમયે ઇન્ડિયન આર્મીની બચાવ ટુકડીની મદદથી બચાવ કામગીરી ઝડપી બની શકશે.