અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 15-16 ઓક્ટોબરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્યમાં 2017માં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે AAP ગુજરાતમાં પોતાનો જનમત ઉભુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ગુજરાતામાં અત્યાર સુધી થર્ડફ્રંટ ક્યારેય સફળ નથી રહ્યો એવું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે.

કેજરીવાલ પોતાના બે દિવસના પ્રવાસમાં પાટીદાર મતદારોને આકર્ષવા માટે ઉંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિરના દર્શન કરશે. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા યુવાનોના પરિવારજનોની મુલાકાત લેશે. તેમજ પાટીદાર અનામત આંદોલનના નેતાઓને સાથે પણ મુલાકાત કરી શકે છે. 16 ઓક્ટોબરે કેજરીવાલ સુરતના વરાછા વિસ્તારમાં જંગી સભાને સંબોઘન કરશે. તેમજ સુરતના ઉદ્યોગપતિઓ સાથે અને વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરશે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઇને વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની અવર જવરમાં વધી ગઇ છે. PM મોદી અત્યાર સુધીમાં બે વાર ગુજરાત પ્રવાસ કરી ચુક્યા છે. તો કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

નરેંદ્ર મોદીની ગેરહાજરીમાં આ પહેલી વિધાનસભાની ચુંટણી છે. માટે બીજેપી માટે આ લીટમસ ટેસ્ટ સમાન હશે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ગુજરાતના ત્રણ મુખ્યમંત્રી બદલાય ચુક્યા છે. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે આનંદીબેન પટેલને સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે પાટીદારો અને દલિતોની નારાજગીનો લાભ કયા પક્ષને મળશે તે વિધાનસભના ચુંટણીમાં ખબર પડશે.