દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ પહેલા તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરી કહ્યું કે, હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું. અરવિંદ કેજરીવાલે હવે બદલાશે ગુજરાતના નામથી આમ આદમી પાર્ટી માટે નવો નારો આપ્યો છે. આવતીકાલે અમદાવાદ પહોંચે એ પહેલા ટ્વીટ કરી જાણકારી આપી છે.
અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ".
કેજરીવાલ સવારે 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે. જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. 11.30 વાગ્યે વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.