અમદાવાદ: દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે ગુજરાતની કેટલીક શાળાઓની મુલાકાત લેશે.નોંધનિય છે કે, દિલ્હી અને ગુજરાતના શિક્ષણ મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજકીય વિવાદમાં હવે શાળાઓ મુદ્દે રાજનીતિ  શરૂ થઈ છે. સિસોદિયા શાળાઓના મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. છેલ્લા જીતુ વાઘાણીના નિવેદન બાદ આપ અને ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે વાક્યુદ્ધ  ચાલી રહ્યું છે.


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણનમંત્રી મનીષ સિસોદિયા ભાવનગર જવા રવાના થયા છે. આ સમયે તેમણે ફાફડાનો ટેસ્ટ કર્યો છે.  ભાવનગર જતા બગોદરા ખાતે તેમણે ચા નાસ્તો કર્યો હતો. આજે મનીષ સિસોદિયા જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની શાળાની મુલાકાત લેશે.


ગુજરાત ભાજપના નેતાના ટ્વીટ પર મુખ્યમંત્રી કેજરીવાલે આપી પ્રતિક્રિયા


ગુજરાતમાં શિક્ષણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના એક નિવેદન બાદ તેમનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિરોધ  થયો હતો. તો બીજી તરફ આ મામલે દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયા પણ ઝંપલાવ્યું હતું. તો હવે દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના જ એક નેતાએ સવાલ ઉઠાવતા મુદ્દો ગરમાયો છે. ભાજપ આગેવાન ડો. ભરત કાનાબારએ ટ્વિટ કરીને દેશની શિક્ષણ વ્યવસ્થા પર બળાપો કાઢ્યો છે. જેને લઈને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ નેતાના ટ્વિટને ક્વોટ કરી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટને ક્વોટ કરતા લખ્યું, ભાજપના લોકો ગુજરાતના કથળતા શિક્ષણ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠવા લાગ્યો છે. ભાજપ 27 વર્ષમાં સારું શિક્ષણ આપી શકી નથી.  ગુજરાતના લોકોને અને તમામ પક્ષોને સાથે લઈને "આપ" સરકાર ગુજરાતમાં પણ દિલ્હીની જેમ સારું શિક્ષણ આપશે.


ડૉ ભરત કાનાબારે લખ્યું કે, 'ક' કમળ નો  'ક' તો બરાબર ઘુટ્યો, પણ 'ક્ષ' શિક્ષણ નો 'ક્ષ' કોઈએ ભણાવ્યો જ નહી! આ દેશમાં શિક્ષણ એક કોમોડીટી બની ચુક્યુ છે. શિક્ષણ ખરીદનાર અને વેચનાર બન્ને બેશરમ છે. તમને જણાવી દઈએ કે, ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લાના વર્તમાન પ્રભારી છે. ભાજપના આગેવાન દ્વારા જ આ પ્રકારના નિવેદનથી વિવાદ થવની સંભાવના છે.