અમદાવાદઃ રાજસ્થાનના ભાજપના ધારાસભ્યોને ગુજરાત લવાયા હોવાના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનો સંવાદ ચર્ચાસ્પદ બન્યો છે.


રવિવારે ભાવનગરમાં મુખ્યમંત્રી રૂપાણીને પત્રકારોએ રાજસ્થાનથી આવેલા ધારાસભ્યો વિશે પ્રશ્ન કરતા રૂપાણીએ કહ્યું કે, આ અંગે સી.આર. ભાઇને પૂછો. રૂપાણી આ સવાલ પૂછાતાં જ ઉભા થઈ ગયા હતા અને ઉભા થતાં થતાં જ આ જવાબ આપીને ચાલતી પકડી હતી.

રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપાણી સાંભળે એ રીતે કહ્યું હતું કે, આ વાતમાં સી.આર.ભાઈને શું ખબર હોય?

રૂપાણી અનેનીતિન પટેલ વચ્ચેના સંવાદનો આ વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.આર. પાટીલનો બચાવ કરવા માટે તેમને પૂછવાનું કહ્યું કે કટાક્ષ કર્યો એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ નીતિન પટેલે મુખ્યમંત્રીના કહ્યા બાદ સીઆર ભાઇને શું ખબર હોય? એવો જવાબ આપીને સી.આર. પાટીલનો બચાવ કર્યો કે પછી સી.આર. પાટીલને ગુજરાતની બાબતો અંગે કશી ખબર નતી એવું આડકતરી રીતે કહી દીધું એ ચર્ચા પણ ચાલી રહી છે.