અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા આંદોલન કરનારા પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને ખેસ પહેરાવી કોંગ્રેસમાં એન્ટ્રી આપી હતી. ત્યાર બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યો છે.



નીતિન પટેલે કહ્યું હતું કે, જે હાર્દિક પટેલે ગુજરાતમાં અનામતનો પ્રશ્ન ઊભો કરી ગુજરાતની શાંતિ-સલામતીને ડહોળી. પોતાની જાતને ભગતસિંહ ગણાવી સમાજ સમક્ષ આગળ ધરી. જે વ્યક્તિએ સતત એવું કીધેલું કે હું રાજકીય વ્યક્તિ નથી, હું પાટીદારોને ઓબીસીને લાભ અપાવવા આવ્યો છું. એ વ્યક્તિએ ગુજરાતની સમરસતામાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે.



આંદોલન શરૂ થયું ત્યારથી અમે સતત કહેતા હતા કે, આ વ્યક્તિ પાટીદારોને અનામતનો ફાયદો કરાવવાનો પ્રયાસ કરતો નથી. પરંતુ કોંગ્રેસના છૂપા આશીર્વાદથી, કોંગ્રેસની આર્થિક મદદથી, કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો છે.



જ્યારે જ્યારે સરકાર દ્વારા પાટીદારો સાથે સવર્ણો સાથે મારો સંવાદ થયો ત્યારે હાર્દિક સતત કહેતો કે, હું કોઈને મળીશ નહીં, હું મળવા જઈશ નહીં, પાટીદાર સમાજની સંસ્થાઓને હું માનતો નથી એવું પણ હાર્દિકે કહેલું હતું. આ પ્રકારની વાત જે વ્યક્તિએ કરેલી તે કોંગ્રેસ પ્રેરિત હતી.