અમદાવાદઃ ફોર્મ સી અને બીયુ પરમીશનના વિરોધમાં અમદાવાદમાં ડૉક્ટરો આક્રમક બન્યા છે. આજે અને આવતીકાલે આહના અંતર્ગત આવતી તમામ હોસ્પિટલો બંધ રહેશે. હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ BU પરમિશન અને ફાયર સેફ્ટી અંગેના નિયમોમાં ફેરફાર કર્યા હતા.  જેને લઇને શહેરની 400 ખાનગી હોસ્પિટલને તાળા લાગવાની ભીતિ છે.


અગાઉ આ મામલે તબીબોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન યોજી 30 એપ્રિલ સુધીની ડેડલાઇન આપી હતી જે હવે પૂર્ણ થતા તબીબોએ વધુ એકવાર સરકાર સમક્ષ માંગ કરી છે કે, એક વર્ષ માટે BU પરમિશનની મુદત વધારવામાં આવે પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા તબીબોએ બે દિવસ હોસ્પિટલો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. અત્યારે વલ્લભસદનથી ઇન્કમટેક્સ સુધી તબીબોએ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા.


રાજ્યમાં આગામી બે દિવસ હિટવેવની કરી આગાહી


રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.


રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે.  પાંચ શહેરમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયુ હતું. બે દિવસ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર,પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 24 કલાક બાદના ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે.  શુક્રવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે ભાવનગરમાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.