Ahmedabad : રોડ - રસ્તાના કામમાં સરકારી તિજોરીમાં જમા થયેલા પ્રજાના રૂપિયા અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાકટર કેવી રીતે પોતાના ખિસ્સામાં ભરે છે.... તેનું ઉદાહરણ સાણંદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં બનેલા રસ્તાના કામોમાંથી બહાર આવ્યું છે.રોડના ચાર કામ પૈકી ચાર પૈકી એક રોડ બન્યો જ ન હોવા છતાં જે રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવી તે નક્કી કરેલી રકમ કરતા વધુ હોવાનું સામે આવ્યું છે.


રોડના ચાર કામો મંજુર થયા હતા 
સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2018માં ચાર રોડ બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી.જેમાં એક કામ ખોડા ગામથી હાઇવે સુધીનો એપ્રોચ રોડ, બીજો વિરોચનનગરથી હમજીપૂરા સુધીનો રોડ, ત્રીજો છારોડીથી દોદર સુધીનો રોડ અને ચોથો ચરલ ગામથી હાઇવે સુધીનો એપ્રોચ રોડ બનાવવાના કામનો સમાવેશ થતો હતો..આ રોડ માટે અલગ અલગ અંદાજિત રકમ પણ મંજૂર કરવામાં આવી હતી.


ક્યાં રોડ માટે કેટલા નાણાં મંજૂર થયા હતા ? 
ખોડ એપ્રોચ રોડ બનાવવા રૂ. 25. 76 લાખ મંજૂર થયા હતા 
છારોડી- દોદર રોડ બનાવવા રૂ. 53.88 લાખ મંજૂર થયા હતા
વિરોચનનગર - હમજીપુરા રોડ માટે રૂ. 82.23 લાખ મંજૂર થયા હતા 
ચરલ એપ્રોચ રોડ માટે રૂ. 30.62 લાખ મંજૂર થયા હતા 
ચાર રોડ માટે કુલ રૂ. 1 કરોડ 92 લાખ અને 49 હાજર મંજૂર થયા હતા 



ચારમાંથી એક રોડ બન્યો જ નથી 
ચાર રોડ માટે કુલ રૂ. 1 કરોડ 92 લાખ અને 49 હાજર મંજૂર થયા હતા.જોકે આ ચારેય રોડ બન્યા નથી,  માત્ર 3 રોડ બન્યા છે. ચરલ ગામથી હાઇવે સુધીનો એપ્રોચ રોડ બન્યો જ નથી.ઉપરાંત છારોડી થી દોદર સુધીનો રોડ બનાવવામાં અંદાજિત ખર્ચ કરતા ઓછો ખર્ચ થયો છે.સરવાળે નાણાં ઓછા ચૂકવવા જોઈએ એમ છતાં વધુ નાણાં ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે.ચરલ એપ્રોચ રોડ ન બનતા રૂ.30.62 લાખ બચ્યા છે. ઉપરાંત છારોડીથી દોદર સુધીનો રોડમાં રૂ.9.15 લાખનો ખર્ચ ઓછો થયો છે.એમ કુલ ચારેય રોડ બનાવવામાં રૂ.39. 77 લાખ ઓછો ખર્ચ થવો જોઈએ અને કોન્ટ્રાક્ટરને રૂ. 1 કરોડ 38 લાખ અને 34 હજાર ચૂકવવાના થાય છે..જેની સામે કોન્ટ્રાકટરને રૂ. 1 કરોડ 61 લાખ અને 93 હજાર ચૂકવાયા છે.



ક્યાં રોડ માટે કેટલા ચૂકવાયા ? 
ખોડા એપ્રોચ રોડ બન્યા બાદ રૂ. 29.78 લાખ ચૂકવાયા 
છારોડી - દોદર રોડ બન્યા બાદ રૂ. 44.73 લાખ ચૂકવાયા 
વિરોચનનગર - હમજીપુરા રોડ બન્યા બાદ રૂ. 1 કરોડ અને 3 લાખ ચૂકવાયા
ચરલ એપ્રોચ રોડ બન્યો જ નથી 


કોન્ટ્રાક્ટરને 22 લખ વધુ ચૂકવી દીધા 
કોન્ટ્રાકટરને 3 રોડના કામ માટે રૂ. 1 કરોડ 55 લાખ 72 હાજર ચૂકવવાના હોવા છતાં રૂપિયા 1 કરોડ 78 લાખ 11 હજાર ચૂકવાયા છે, એટલે કુલ રૂપિયા 22 લાખ અને 39 હજાર રૂપિયા વધુ ચૂકવાયા છે.આ રૂપિયા ક્યાં વધુ ચૂકવાયા તેની તપાસમાં સામે આવ્યું કે વિરોચનનગર - હમજીપૂરા રોડ રૂપિયા 21 લાખ 37 હજાર વધુ ચૂકવાયા અને ખોડા એપ્રોચ રોડમા રૂપિયા 4 લાખ અને 2 હજાર વધુ ચૂકવાયા છે. 


સામાન્ય રીતે નિયમ એવો છે કે જે રોડ ન બને કે ઓછો ખર્ચ થાય તે નાણાં તિજોરીમાં જમા કરાવવાના થાય છે. પરંતુ આ નાણાં સરકારી તિજોરીમાં જમા ન કરાવવા પડે તે માટે ચારેય રોડને એક કામ ગણીને તેનું પેકેજ બનાવી દેવામાં આવ્યું અને કોન્ટ્રાકટરને પાંચ હપ્તામાં નાણાં ચૂકવી દેવામાં આવ્યા.


શું કહ્યું સાણંદ તાલુકા પંચાયત પ્રમુખે ? 
આ કૌભાંડ અંગે સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાને પૂછતા તેમણે પણ જણાવ્યું હતું કે, રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે.રોડની લંબાઈ વધારીને વધુ નાણાં ચૂકવ્યાનું થયાનું ધ્યાનમાં આવ્યું છે.સમગ્ર મામલાની તપાસ કરાશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.