અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતના જાણીતા મીડિયા હાઉસ અકિલાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મે મહિનામાં ચૂંટણી યોજાય શકે છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં હલચલ તેજ થઈ ગઈ છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રીપાખીયો જંગ થવાનો છે. પંજાબમાં બમ્પર જીત બાજ આપનો જુસ્સો બુલંદ છે અને દિલ્હી સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન 2 એપ્રિલે અમદાવાદમાં રોડ શો પણ કરશે.


તો બીજી તરફ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાના હોવાની વાત સામે આવતા કોંગ્રેસ પણ હાલમાં પુરી રીતે ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે. તો હવે આ ચૂંટણી વહેલી થવાના અહેવાલો આવતા વિવિધ રાજકીય પક્ષોના નેતા પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા, ઈશુદાન ગઢવી અને કોંગ્રેસ-ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. તો બીજી તરફ પીએમ મોદી પણ એપ્રિલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂકવા આવી રહ્યા છે.


વહેલી ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે, ભાજપની હાલની સરકાર વહિવટ કરવામાં અક્ષમ છે, ગુજરાતના ગામડાઓમાં ખેડૂતો મળકી વીજળીનો પ્રશ્ન વ્યાપક બન્યો છે, લોકોના સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે જેથી ભાજપનું હાઈકમાન્ડ વહેલી ચૂંટણી યોજવા માગે છે. પરંતુ ચૂંટણી ગમે ત્યારે આવે કોંગ્રેસ તૈયાર છે. ભાજપ મજબૂરીમાં વહેલી ચૂંટણી યોજી શકે છે.


વહેલી ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપતા આપ નેતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, વહેલી ચૂંટણી આવવાનો કોઈ ચાન્સ નથી. આ બધી ભાજપવાળા અફવા ફેલાવે છે. ચૂંટણી પંચ જે તૈયારી કરે છે તે રૂટિન પ્રક્રિયા છે હું પોતે તેનો કર્મચારી રહી ચૂક્યો છું. આમ આદમી પાર્ટી આવવવાથી ભાજપને ચૂંટણીથી ડર લાગવા લાગ્યો છે મને લાગે છે ચૂંટણી ટાઈમે થાય તો સારૂ. દિલ્હીની ચૂંટણીઓ જ રદ કરી દીધી. 


તો આ અંગે આપ નેતા ઈશુદાન ગઢવીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યુદ્ધના મેદાનમાં જ્યારે અમે ઉતરીએ ત્યારે પુરી તૈયારી સાથે જ ઉતરીએ છીએ. જો ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને ચૂંટણી વહેલી લાવે તો અમને કોઈ વાંધો નથી. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો ગમે ત્યારે ચૂંટણી આવે તૈયાર છે. ઈશુદાને એમ પણ કહ્યું કે કેટલાક એવા અહેવાલો છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ ચૂંટણી યોજાય શકે છે. પંરતુ અમે કોઈ પણ સમયે ચૂંટણી લડવા તૈયાર છીએ.


તો બીજી તરફ એવા અહેવાલો હતા કે ભાજપને નેતા કુંવરજી બાવળીયા ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. જો કે હવે આ વાત પર પૂર્ણ વિરામ મૂકતા કુંવરજી બાવળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને કહ્યું કે આ બધી અફવા છે. હું ભાજપમાં જ છું, હું કોંગ્રેસમાં જોડાવાનો નથી. 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે તૈયારી શરૂ કરી 


જરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. રાજકોટના સાંદ્ય દૈનિક અકિલાએ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે મે મહિનાના મધ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે. અકિલાના અહેવાલમાં દાવો કરાયો છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે તૈયારી શરૂ કરી છે. 


એપ્રિલ મહિનામાં જાહેરનામું અને મે મહિનામાં મતદાનની શક્યતા છે. એપ્રિલના પહેલા કે બીજા સપ્તાહમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને 15 મે આસપાસ મતદાનની શક્યતા. પ્રધાનમંત્રી મોદી પણ આદીવાસી બેલ્ટની અંદર સભા અને રેલીઓ કરવા આવી શકે છે. ચૂંટણીપંચે શાળા અને કોલેજો પાસેથી કર્મચારીઓની વિગત મંગાવી છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળ માટે પત્ર લખી શૈક્ષણીક સ્થળો માગવામાં આવ્યા છે.