અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. નાની ઘટના હોય કે કોઈ મોટી આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના હોય, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ પોતાના જીવ જોખમમાં મૂકીને સેવા કરતી હોય છે.
અમદાવાદના ફાયર વિભાગને વર્ષ ૨૦૨૩માં ફાયર અને રેસ્ક્યુ સહિતના ૪૬૨ ફાયર કોલ આવ્યા હતા, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 200થી વધુ લોકોના જીવ બચાવાયા છે. આમ, અમદાવાદના ફાયર વિભાગે અમદાવાદની હદ તેમજ હદની બહાર આવેલા કોલમાં ખૂબ પ્રશંસનીય બચાવ કામગીરી કરી છે.
આ અંગે ઇન-ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન પી. મિસ્ત્રીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અંતર્ગત હાલમાં કુલ ૧૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે. જ્યારે અન્ય ફાયર સ્ટેશનો જેમ કે ગોતા, બોપલ તેમજ સાયન્સ સિટી રોડ પરની ચોકીઓને આગળ વધારવાની કામગીરી પ્રગતિમાં છે. વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો ૧ જાન્યુઆરી ૨૦૨૩થી 23 ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૪૬૨ ફાયર કોલ મળ્યા હતા. જેમાં અદાજિત ૨૦૦થી વધુ લોકોની જિંદગી બચાવવાની કામગીરી કરવામાં આવી છે.
મિથુન પી. મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ફાયર ફાઈટર્સની કામગીરીમાં આગ કાબૂમાં લેવા ઉપરાંત તબીબી સેવા, માનવો, પશુ - પક્ષીઓના જીવ બચાવવા, પર્યાવરણ બચાવવા સહિતની નાના-મોટી આકસ્મિક અને માનવસર્જિત તમામ ઘટનામાં બચાવ કામગીરી કરવાની હોય છે. લિફટમાં ફસાયેલા, ગેસ ગળતરથી ગૂંગળામણ અનુભવતા, આગને કારણે ફસાયેલા કે પછી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની પણ કામગીરી કરે છે. ફાયર ફાઈટરમાં સાહસ અને બહાદુરી અખૂટ હોય છે. અમદાવાદની ફાયર વિભાગની ટીમ અનેકો વાર નાની-મોટી કોઈપણ ઘટના બને ત્યારે ખડે પગે નાગરિકોની સેવા કરતી આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કુલ ૧૭ ફાયર સ્ટેશનોમાં મિની ફાયર ફાઇટર ઉપલબ્ધ છે, જે શહેરની નાની પોળોમાં જઇને બચાવની કામગીરી કરવા સજ્જ છે. આ સાથે ૨૦ હજાર લિટરની મોટી ગાડીઓ પણ ફાયર વિભાગ પાસે ઉપલબ્ધ છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની અમદાવાદની હદ વિસ્તારમાં તેમજ હદ બહારના વિસ્તારની કામગીરી પણ ફાયર ફાઇટર્સ દ્વારા કરવામાં આવે છે. આ અગાઉના વર્ષોમાં બિહાર સુધી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આખા ગુજરાતની મોટામાં મોટી ૮૧ મીટરની હાઇડ્રોલિક લેડર તથા ૫૫ મીટરની ટર્ન ટેબલ લેડર અને ૫૫ મીટરની હાઇડ્રોલિક લેડર પણ ઉપલબ્ધ છે.
મિથુન પી. મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં ઘણી વધુ સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. આવનારા એપ્રિલ મહિના સુધીમાં અંદાજિત ૨૦ હજાર લિટરના ૬ વોટર બાઉઝર એટલે મોટી ગાડીઓ, ૮ હજાર લિટરના ૬ વોટર બાઉઝર્સ, તેમજ ફર્સ્ટ રિસ્પોન્ડર સાથેની ૭ ગાડીઓથી ફાયર વિભાગ વધુ સજ્જ થવા જઇ રહ્યું છે. ટૂંકમાં સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ સુવિધા પણ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને આપવામાં આવશે.
ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ કહ્યું કે, 'હાલમાં કંટ્રોલ રૂમને ડેવલોપ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જેમાં કંટ્રોલ રૂમને અદ્યતન ટેકેનોલોજીનો ઉપયોગ કરીને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમના સ્ટાફને ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ માટેની તાલીમ પણ આપવામાં આવશે જેમ કે ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે સારી માહિતી મેળવી શકે. આ સાથે ફાયર સ્ટેશનોની ફર્સ્ટ રિસ્પોડન્ટ ટીમને ક્વિક રિસ્પોન્સ માટેની તાલીમથી અવગત કરવામાં આવશે. ફાયર ફાયટિંગ, રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન ટેક્નિકમાં ત્વરિત અને સુરક્ષિત રીતે પાર પાડી શકાય એ બાબતોની ટ્રેનિંગ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
રેસિડેન્શિયલ, કોમર્શિયલ, લો-રાઇજ, હાય-રાઇજ બિલ્ડિંગમાં ફાયર રેસ્ક્યૂ ટીમ પહોંચે પહેલા ફસ્ટ એઈડ ફાયર ફાયટિંગની માટેની ટ્રેનિંગ પણ સોસાયટી ખાતે શરૂ કરવામાં આવી છે. આ સાથે સમયાંતરે ફાયર સેફ્ટી બાબતે અવરેનસ કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ વર્કશોપ સાથે મળીને ઇમરજન્સી વ્હિકલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની કામગીરીનો પણ પ્રારંભ થઇ ચૂક્યો છે.