અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં હત્યા અને ચોરીના બનાવમાં રોકેટ ગતિએ વધારો થયો છે. અમદાવાદમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈ સામાન્ય લોકોમાં પણ ભયંકર રોષ છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ચાર લોકોની હત્યાએ શહરેના લોકોને હચમચાવીને રાખી દિધા છે. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જ અમદાવાદ શહેરમાં ચાર હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવી દિધો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં 10 દિવસમાં પાંચ હત્યાની ઘટના બની છે.
કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકની હત્યા
કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે.
નહેરુનગર ફાયરિંગમાં હત્યા
નહેરૂનગર સર્કલ- ધરણીધર રોડ પર શનિવારે મોડી સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ શાકભાજીના વેપારી પર ફાયરીંગ કરી હત્યા કરી હતી. બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
NRI દિપકભાઈની હત્યા
બોપલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એનઆરઆઈ દીપકભાઈ પટેલના માથામાં પથ્થરના ઘા ઝીંકીને ગોધાવી-મણીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી મૃતકનો જ ધંધાકીય પાર્ટનર હોવાનું સામે આવ્યું છે.
બોપલમાં વિદ્યાર્થીની હત્યા
બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી. 14 નવેમ્બરે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ચાંદખેડામાં હત્યા
ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 13 નવેમ્બરના રોજ સવારે 11:15 વાગ્યા આસપાસ શહેરના મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ પાર્ક કોમ્પલેક્ષની સામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને ઝગડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા સરદારજી ગોપાલ વણઝારા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી.