અમરેલી: લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી કેસરિયો કરે તેવી માહિતી સામે આવી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ રાજુલાના પૂર્વ MLA અમરીશ ડેરની જેઓ ગમે ત્યારે કોંગ્રેસને રામ-રામ કહી શકે છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર અમરીશ ડેર બે દિવસમાં ભાજપમાં જોડાઈ શકે છે. અમરીશ ડેરને ભાજપમાં મહત્વની જવાબદારી મળી શકે છે. નોંધનિય છે કે, ડેર 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ડેર 2017માં હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો.


એક વાત એવી પણ સામે આવી રહી છે કે, રાજુલાના વર્તમાન ધારાસભ્ય હિરા સોલંકીને બીજેપી ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવી શકે છે. જે બાદ રાજુલા બેઠક પર અમરીશ ડેરને પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે. જો કે, હજુ સુધી અમરીશ ડેર તરફથી આ વાતને લઈને કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. અમરીશ ડેરની સત્તાવાર જાહેરાત બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે બીજેપીએ ગુજરાતની 15 લોકસભા બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. હજુ 11 લોકસભા પર ઉમેદવારના નામ બાકી છે. આ બેઠકોમાં અમરેલી અને ભાવનગર બેઠકનો પણ સમાવેશ થાય છે. 


નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચી


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે. ફેસબુક પોસ્ટ પર તેમણે લખ્યું છે કે, “ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચુ છુ. કેટલાક કારણોસર મેં આ નિર્ણય લીધો છે”ફેસબુક પર પોસ્ટ થકી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, મહેસાણા બેઠક પરથી ભાજપ  હવે કોને  આપશે ટિકિટ તેને લઈ ચર્ચા ચાલી રહી છે. મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય તે પહેલા દાવેદારી પાછી ખેંચતા અને તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ  ચર્ચામાં હતું.


લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપે  15 ઉમેદવારો કર્યા જાહેર



  • કચ્છ- વિનોદ ચાવડા

  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી

  • પાટણ- ભરતસિંહ ડાભી

  • ગાંધીનગર- અમિત શાહ

  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા

  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા

  • પોરબંદર- મનસુખ માંડવિયા

  • જામનગર- પૂનમબેન માડમ

  • આણંદ- મિતેશ પટેલ

  • ખેડા-દેવુસિંહ ચૌહાણ

  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ

  • દાહોદ -જસવંતસિંહ ભાભોર

  • ભરુચ- મનસુખ વસાવા

  • બારડોલી-પ્રભુભાઈ વસાવા

  • નવસારી-સીઆર પાટીલ