બે મિત્રોએ જ યુવકની હત્યા આંબેડકર બ્રિજ પરથી ફેકીને કરી, બંને મિત્રો ઝડપાયા
abpasmita.in | 04 Nov 2016 08:35 AM (IST)
અમદાવાદઃ આંબેડકર બ્રિજ પરથી યુવકને નદીમાં ફેંકી હત્યા કરવાના કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. પાલડી પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ અને ધવલની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ બ્રિઝ પરથી રાહુલને નદીમાં નાખ્યો હતો. આ ઘટનામાં પોલીસના મતે પાંચ મિત્રો સાથે ઝઘડો થયો હતો. જેમાં બપોરે આંબેડકર બ્રિજ પરથી બે યુવકોએ રાહુલ રાઠોડ નામના એક યુવકને બ્રિજ પરથી નીચે ફેંક્યો હતો. મિત્રને બ્રિજ પરથી નીચે ફેંક્યા પહેલાં અન્ય આ બે મિત્રોએ રાહુલ રાઠોડને માર માર્યો હતો. હાલમાં પોલીસ આ 2 શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી રહી છે. પાલડીમાં આવેલ રિવરફ્રન્ટ પર ગુરુવારની બપોરે આંબેડકર બ્રિજ પર બ્લ્યુ કલર જેવી એક્ટિવા પર સવાર બે શખ્સો એક વ્યક્તિને માર મારીને નીચે ફેંકી રહ્યા હતા. એવા દ્રશ્યો ત્યાંથી પસાર થતા નરેન્દ્ર શાહ નામના રાહદારી સહિતના લોકોએ જોયા હતા. બુમા બમ કરી એટલામાં બન્ને એક્ટિવા સવાર શખ્સો ફરાર થઇ ગયા હતા. આ દ્રશ્યો જોઈ પહેલા રાહદારીઓએ પોલીસને જાણ કરી અને પોલીસે તાપસ શરુ કરી જેમાં રાહદારીએ ફાયર બ્રિગ્રેડ દ્વારા મૃત દેહને બહાર કાઢી મૃતકની ઓળખ કરવા માટે મોબાઈલનું સિમકાર્ડ બીજા મોબાઈલમાં નાખી ઓળખ કરી તો મૃતકનું નામ રાહુલ રાઠોડ અને દાણીલીમડા વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સગા સબંધી અને સ્થાનિકો આવી જતા જાણવા મળ્યું કે રાહુલને સવારે ધવલ અને ભાર્ગવ નામના વ્યક્તિ જે એના મિત્રો જ છે જેની સાથે નજીવી બાબતે જગાડો થયો હતો અને રાહુલને નીચે ફેંકનાર પણ આ બન્ને મિત્રો ધવલ અને ભાર્ગવ જ હતા. મૃતક રાહુલ નારોલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને સવારે નજીવી બાબતે આ બન્ને મિત્રો સાથે ઝગડો થયાની વાત સામે આવી છે. ત્યારે પોલીસે પ્રત્યક્ષદર્શીઓ ની ફરિયાદ અને નિવેદન ના આધારે ફરિયાદ નોંધી છે ત્યારે રાહુલની હત્યા પહેલા માર મારવામાં આવ્યો છે કેમ કે પોલીસને મૃતદેહ પરથી બોથડ પદાર્થના ઘા માર્યાના નિશાન પણ મળી આવ્યા છે. ત્યારે પોલીસે બંને બ્રિજના છેડે આવેલા સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.