ગાંધીનગરઃ સમૌ ગામે બે જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ, પોલીસે ટોળાને વિખેરવા ટિયરગેસના સેલ છોડ્યા
abpasmita.in | 03 Nov 2016 02:49 PM (IST)
અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના માણસા નજીક આવેલા સમૌ ગામે દરબારો અને ચૌધરીઓ વચ્ચે જોરદાર અથડામણ થતાં ભારે તંગદિલી છવાઈ હતી. પથ્થરમારો અને દુકાનો તેમજ વાહનોને આગ ચાંપતાં ટોળાંને વિખેરવાં પોલીસને ટિયરગેસના સેલ અને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. હાલમાં પણ આ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે સમૌ ગામમાં દૂધ ભરવાની બાબતે દરબાર અને ચૌધરી સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થયા બાદ સમાધાન થઈ ગયું હતું, પરંતુ સાંજના સુમારે ગામની વચ્ચોવચ્ચ આવેલા હનુમાનજીના મંદિર પાસે બંને કોમનાં ટોળાંઓ એકઠાં થઈ ગયાં હતાં અને જોત જોતાંમાં જ આમને સામને આવી જતાં જોરદાર પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. કેટલાક તોફાનીઓએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો તેમજ દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ પોલીસ કાફલા સાથે તાબડતોબ પહોંચી જઈ વણસી રહેલી પરિસ્થિતિને અંકુશમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો પરંતુ સ્થિતિ બેકાબૂ જણાતાં પોલીસને ટિયરગેસના સેલ અને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. તોફાનીઓએ દસેક જેટલી દુકાનો અને વાહનોને નિશાન બનાવી આગ લગાવી હતી અને આગમાં એક વ્યક્તિને ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ભારે જહેમત બાદ પરિસ્થિતિ અંકુશમાં આવી હતી. આ ગામમાં ફરી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે એસઆરપી અને ગાંધીનગરથી વધારાનો ફોર્સ બોલાવી ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.