અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના સર્વેમાં અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ હોવાનો દાવો કરાયો છે. જોકે, અમદાવાદમાં 49% લોકો સંક્રમિત થયા હોવાનો પણ સર્વેમાં ઘટસ્ફોટ થયો છે. દેશનાં 11 કોરોનાગ્રસ્ત શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં સરકારે કરેલા સર્વેમાં ઘટસ્ફોટ થયો છે. જોકે, આ સર્વે રેન્ડમ સેમ્પલિંગના આધારે કરાયો છે.


મે મહિનામાં થયેલા સર્વેનાં તારણો મુજબ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અડધો અડધ લોકોના શરીરમાં કોરોના સામેના એન્ટિબોડી મળ્યા હતા. તારણો મુજબ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ ચૂકી છે. અગ્રણી ડોક્ટરોએ અગાઉ અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી શરૂ થયાનું જણાવ્યું જ હતું. અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો હતો અને 496 લોકોના ટેસ્ટમાંથી 48.99 ટકા લોકોમાં એન્ટિબોડી જોવા મળ્યા હતા. સર્વેનાં તારણો મુજબ મુંબઈ, આગરા, પૂણે કરતાં અમદાવાદમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે.