અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં તમામ કર્મચારીઓ માસ સીએલ પર છે. જેના કારણે રાજ્યભરમાં એસટી મુસાફરો રઝળી પડ્યા છે. મુસાફરોની ગરજનો લાભ લઈને ખાનગી વાહનો મોં માંગ્યા ભાડા વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી પ્રસંગોમાં હાજરી આપવા કે અન્ય અગત્યના કામે જવા નીકળેલા મુસાફરો ડબલ ભાડું આપીને પણ મુસાફરી કરી રહ્યા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ જવા માટે અંદાજે 100 જેટલી ખાનગી બસો ઉપડે છે. અમદાવાદથી અમરેલી લકઝરી બસનું ભાડું ચાલુ દિવસોમાં 250 રૂપિયાની આસપાસ હોય છે, જેનો આજનો ભાવ 400 રૂપિયા છે. આ જ રીતે અન્ય શહેરોમાં જવા માટેના ભાડામાં પણ 50 ટકાથી લઇ 100 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે.

વાંચોઃ ગુજરાતમાં ST કર્મચારીઓની હડતાળ મુદ્દે CM રૂપાણીએ શું કહ્યું ? જાણો વિગત

મધરાતથી જ એસટીના પૈડા થંભી જતાં ખાનગી વાહનોએ રાતથી ભાડામાં બમણો વધારો કરી દીધો છે. અમદાવાદથી સુરતનું ભાડું ચાલુ દિવસોમાં 300 રૂપિયાની આસપાસ હોય છે, જે હાલ 550થી 600 રૂપિયા પહોંચી ગયું છે.

મહેસાણામાં ડિવીઝનમાં આજેના દિવસે 20 જેટલી બસો લગ્ન પ્રસંગની વર્ધી માટે ફાળવવામાં આવી હતી. જેને પણ રદ્દ કરાતાં લગ્નાર્થીઓ પરેશાન થયા હોવાના અહેવાલ છે. છેલ્લી ઘડીએ બસો રદ્દ થતાં જાનૈયાઓ અટવાઇ પડ્યા છે.


ગુજરાતમાં STની હડતાળને કારણે મોડી રાતથી મુસાફરો અટવાયા, જુઓ વીડિયો