ગાંધીનગર: કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે જાહેર કરાયેલ વિશેષ રાહત પેકેજ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી) / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

Continues below advertisement

લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજયમાં માર્ચ-૨૦૨૩ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે રાજય સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરાયું છે. જેના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખેતી તથા બાગાયતી પાકોમાં ૩૩% કે તેથી વધુ નુકશાન થયું હોય તે જ કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે અને ખાતાદીઠ  (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે એમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

Continues below advertisement

નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો  “ના - વાંધા અંગેનો સંમંતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકશાની સર્વેમાં ૩૩% થી વધુ નુકશાન માલુમ પડેલ હોય તેવા સર્વે નંબરવાળા ખેડુત ખાતેદાર કે જેના સર્વે / ખાતા નંબર ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડુત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.  તેમજ તાલુકા કક્ષાએ ગામ વાઈજ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી) / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે એમ વધુમાં જણાવાયું છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી હતી.