Gujarat Weather Update: આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ક્યા કેટલો વરસાદ?
- કચ્છના નખત્રામાં અઢી ઇંચ
- જૂનાગઢના મેંદરળામાં દોઢ ઇંચ
- રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ
- જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ
- જૂનાગઢના માળીયામાં સવા ઇંચ
- રાજકોટના ધોરાજીમાં એક ઇંચ
- જૂનાગઢના કેશોદમાં એક ઇંચ
- જૂનાગઢમાં અડધો ઇંચ
- જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ
- રાજકોટ પડધરીમાં અડધો ઇંચ
- ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ
- ડાંગના સુબીરમાં અડધો ઇંચ
- જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ
- ડાંગના વઘઇમાં અડધો ઇંચ
- નવસારી વાંસદામાં અડધો ઇંચ
- દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ
- ડાંગના આહવામાં અડધો ઇંચ
સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ
લખપત તાલુકાના દયાપર, દોલતપર, આશાલડી, રાવરેશ્વર, સારણમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થયો છે. લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં પાણી વહેતા થયા છે. સરહદી લખપત તાલુકામાં પડેલા કમોસમી વરસાદના પગલે અનેક નદી નાળામાં નવા નીરની આવક શરૂ થઈ છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ જૂણાચાય નજીકનો કુંડી ધોધ જીવંત બની ઉઠ્યો છે. કોતરાયેલી ભેખડો પરથી પડતા ઘૂઘવતા પાણીએ નયનરમ્ય નજારો સર્જ્યો છે.
ગીર સોમનાથના વાતાવરણમાં પલટો
તાલાલાના આંકોલવાડી, સુરવા, ધાવા, માધુપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન થવાની આશંકા છે. આ ઉપરાંત જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં બપોર બાદ કમોસમી વરસાદ શરુ થયો છે. શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ, બસ સ્ટેન્ડ, દિવાન ચોકમાં વરસાદ પડ્યો છે.