અમદાવાદ:  રાજ્યમાં ફરી કોરોનાએ (Corona) તરખાટ મચાવ્યો છે. દરરોજ સતત રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ (Coronav Positive) કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર Ahmedabad)માં પણ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે 804 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 6 લોકોનાં મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 439 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. 
   


કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Containment Zone)માં વધારો થઈ રહ્યો છે.  એક જ દિવસમાં 42 સ્થળ માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં મૂકાયા છે. જ્યારે જૂના 12 સ્થળોની બાદબાકી કરાઈ છે. આ સિવાય કોરોનાની વકરતી સ્થિતિને જોતા અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ 500 બેડ ઉભા કરાયા છે અને સમરસ હોસ્ટેલને ફરી કોવિડ સેંટર બનાવાશે.  



વધતા કોરોના સંક્રમણ અંગે માઠા સમાચાર એ છે કે, અમદાવાદમાં કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થયાનો દાવો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ રાકેશ જોશીએ દાવો કર્યો છે કે, અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર  કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે.. જેને લઈ કહી શકાય કે અમદાવાદમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશન શરૂ થઈ ગયું છે. હાલમાં માસ્ક અને વેક્સીન જ કોરોના સામે રક્ષણ આપી શકશે.  વધુમાં તેઓએ જણાવ્યું કે, મંજુશ્રી મિલની કિડની હોસ્પિટલના 400 બેડ સારવાર માટે શરૂ કરાયા છે. જે 18 કલાકમાં 400 પૈકી 60 બેડ ભરાઈ ગયા છે, જો આવી રીતે સંક્રમણ વધતું રહેશે તો બે દિવસમાં હોસ્પિટલ ફૂલ થઈ જશે. 



ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ ? 


રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે  2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 



રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે.