Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. બીજા તબક્કાના મતદાન પહેલા આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું, પહેલીવાર કમલમ ખાતે લોકોએ નારા લગાવવા પડ્યા. ડબલ એન્જિનની સરકાર વિશ્વાસ ખોઈ બેસી છે, અમને વિશ્વાસ છે કોંગ્રેસ જીત હાંસલ કરશે, લોકો પરિવર્તનનું મૂડ બનાવીને બેઠા છે. ભારતીય જનતા પાર્ટીની સભામાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે, દિલ્હી છોડીને ગુજરાતમાં ગલીએ ગલીએ વોટ માંગી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસ 65 બેઠક પર જીત મેળવશે.
રઘુ શર્માએ બીજું શું કહ્યું
આ ઉપરાંત રઘુ શર્માએ કહ્યું, પહેલા ચરણનું 1 ડિસેમ્બર ના રોજ મતદાન પૂર્ણ થયું. કોંગ્રેસને જે માહિતી મળી તે પ્રમાણે કોંગ્રેસની જીત થઈ રહી છે, આજે સાંજે 5 વાગે બીજા ચરણનો પ્રચાર બંધ થશે. આ ચૂંટણીને બરાબર મોનિટરીંગ રાહુલ ગાંધી કરી રહ્યાં હતા. દેશમાં વધેલી નફરત, મોંઘવારી, બેરોજગારી સહિત તમામ મુદ્દાને લઈને ભારત જોડો યાત્રા કરવામાં આવી હતી.યાત્રામાં જોડાઈ રહેલા લાખો લોકો સબૂત છે કે લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. બુથ મેનેજમેન્ટ ઉપર અમે ફોકસ કર્યું, ગુજરાતમાં પાર્ટીના જેટલા નેતા, કાર્યકર્તા, સંગઠન છે તે બધાએ છ મહિનાથી સરકાર વિરુદ્ધના મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું, પાર્ટીના અનુશાસનને જાળવીને કામ કર્યું.
ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ ખરાબ છે, લોકોમાં આક્રોશ છે. ગૌરવ યાત્રાનો 10 દિવસનો સમય હતો., સાત દિવસમાં પૂરી કરવી પડી, લોકો જોડાયા નહી. બીજી તરફ પરિવર્તન યાત્રા કોંગ્રેસે શરૂ કરી અને લોકોએ સાથ સહકાર આપ્યો. રાહુલ ગાંધીએ વચન આપ્યા તે 11 વચનના તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટીએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો. મીડિયા મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, બધામાં કોંગ્રેસ એ જબરદસ્ત કાર્ય કર્યું.