અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા હરિયાણાથી બહુ ચર્ચિત હિરેન પટેલ હત્યા કાંડમાં વોન્ટેડ આરોપી ઇમરાન ની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન ઘાટ સ્ફોટ થયો છે કે કોર્પોરેટર હિરેન પટેલની હત્યા રાજકીય હતી અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિતના ઈશારે કરવામાં આવી હતી


ગુજરાત એટીએસે ઝાલોદમાં થયેલી કોર્પોરેટર હિરેન પટેલની હત્યામાં વોન્ટેડ આરોપી ઇમરાન ઉર્ફે ઇમુની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી હરિયાણામાં છુપાયો હતો, જેની બાતમી મળતા સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં એટીએસને સફળતા મળી છે.. આ કેસમાં સૂત્રધાર ઇરફાન ઉર્ફે પાડા સહીત 6 ની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઇમરાને ઈરફાન ઉર્ફે પાડાને સોપારી આપી હતી અને મૃતક હિરેન પટેલનું ઘર બતાવ્યું હતું.

આરોપીએ એ પણ કબૂલાત કરી છે કે ઇમરાને ઈરફાનને અમિત કટારાના કહેવાથી સોપારી આપી હતી અને હિરેન પટેલનું ઘર બતાવ્યું હતું. આ કેસમાં આરોપી અમિત કટારા પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને હાલના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ છે. સૂત્રો જણાવી રહ્યા છે કે થોડા સમય અગાઉ હિરેન પટેલ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા, જેને કારણે એની સોપારી આપી તેનું કાસળ કાઢી દેવામાં આવ્યું હતું.

હાલમાં એટીએસે આરોપી ઇમરાનને ગોધરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજકારણમાં દગ્ગો આપ્યો હોવાના કારણે જ આ હત્યાને અંજામ આપ્યો હતો. હાલમાં આ કેસમાં અન્ય વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.