અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. દૈનિક કેસોમાં જોરદાર ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થયા છે. ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થતાં તેમને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. 


ગઈ કાલે ભાજપના ધારાસભ્ય પણ કોરોના સંક્રમિત થયા હતા. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઝંખના પટેલ કોરોનાના શિકાર  બન્યા છે. ઝંખનાબેન મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર પણ સ્ટેજ પર હાજર હતા. પહેલા ડેપ્યુટી મેયર કિશોર બિન્દલ અને હવે ધારાસભ્ય ઝંખનાબેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા ભાજપના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ પણ પોઝિટિવ આવ્યા હતા. આમ ભાજપના નેતાઓ એક બાદ એક કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. 


ધારાસભ્ય ઝંખનાબેન પટેલે ટ્વિટ કરતા કહ્યું, કોરોનાનાં લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે, મારી સૌને વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા અને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી.


ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવા 269  કેસો નોંધાયા છે.  જ્યારે આખા ગુજરાતમાં 573 કેસ નોંધાયા છે.  એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 2371 કેસ થયા છે. સતત વધી રહેલા કેસ અમદાવાદીઓ માટે ખતરાની ઘંટી છે. ગુજરાતમાં આજે ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી. 


છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 કેસ નોંધાયા


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ  નોંધાયા છે.   બીજી તરફ 102  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,589  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે  મોત થયું છે.  આજે 2,32,392  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 74,  વડોદરા   કોર્પોરેશનમાં 41 , રાજકોટ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16, વલસાડ 15, આણંદ 14, ભાવનગર કોર્પોરેશન 10, રાજકોટ કોર્પોરેશન 10, અમદાવાદ 9, મહીસાગર 9, વડોદરા 9, ભરુચ 8, ખેડા 8, નવસારી 8, જામનગર કોર્પોરેશન 7, અમરેલી 5, મહેસાણા 5, પંચમહાલ 4, સુરત 4, ગાંધીનગર 3, મોરબી 3, જૂનાગઢ 2, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1 નવો કેસ નોંધાયો હતો.