અમદાવાદઃ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખપદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂક કરાઈ છે. વિશ્વનાથસિંહ વાઘેલા ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા હોવાની યુથકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બીવીએ જાહેરાત કરી હતી.
ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. વાઘેલાએ પોતાના સ્વાગતમાં કોરોનાના નિયમો તૂટ્યા તે બદલ ગુજરાતની જનતાની માફી માંગી હતી.
વાઘેલાએ જણાવ્યું કે, યુથ કોંગ્રેસ આવનારા સમયમાં સિનિયર કોંગ્રેસ સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે. તેમણ જાહેરાત કરી કે, પેપર લીકકાંડમાં ગુજરાતના યુવાનોને થયેલા અન્યાય બાબતે યુથ કોંગ્રેસ મેદાનમાં આવશે અને પેપર લીકની ઘટનાને કારણે ગુજરાતના યુવાનોને પડતી મુશ્કેલીનો અવાજ યુવા કોંગ્રેસ બનશે.
વાઘેલાએ કહ્યું કે, યુથ કોંગ્રેસ કોંગ્રેસ કમજોર નથી પણ ગુજરાતમાં આવતા ડ્રગ્સને કારણે યુવા કમજોર બની રહ્યા છે ત્યારે ગુજરાતના યુવાનોનો અવાજ ભારતીય યુવા કોંગ્રેસ બનશે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં યૂથ કોંગ્રેસની મહત્વની ભૂમિકા રહેશે અને સિનિયર કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ આગામી કાર્યક્રમો આપશે.
યુથ કોંગ્રેસના પ્રમુખ માટેની ચૂંટણી થોડા સમય પહેલાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં સૌથી વધુ મત વિશ્વનાથસિંહ વાઘેલાને મળ્યા હતા પણ અમુક મતો કેન્સલ થતાં પરિણામ અટકાવવામાં આવ્યું હતું. હવે વાઘેલાની વરણીની જાહેરાત કરાઈ છે.
યુથકોંગ્રેસના નવા પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું અમદાવાદમાં સ્વાગત કરાયું હતું. વાઘેલાનું કાર્યકરો અને સમર્થકો દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું હતું. વિશ્વનાથસિંહ વાઘેલાને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઉત્સાહમાં આવી કોરોનાના નિયમો તોડ્યા હતા. એરપોર્ટ ખાતે ભીડ કરી સોશિયલ ડિસ્ટન્સના નિયમો તોડ્યા હતા. કેટલાય કાર્યકરો માસ્ક પહેર્યા વગર ભીડનો હિસ્સો બન્યા હતા. ગુરુવારે યુથકોં ગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ વિશ્વનાથસિંહ આજે અમદાવાદ પહોંચ્યા હતા.
વાઘેલાએ કહ્યું કે, ભાજપનો યુવા મોરચો માત્ર નેતાઓના સંતાનોને હોદ્દા આપવા માટે છે એટલે જ પેપર ફૂટ્યાં ત્યારે યુવા મોરચો ક્યાંય દેખાયો નહિ. ગુજરાતના બંદરોએ ડ્રગ્સ પકડાય છે ત્યારે યુવા મોરચો દેખાતો નથી. વાઘેલાએ પોતાના સ્વાગતમાં કોરોનાના નિયમો તૂટ્યા તે બદલ ગુજરાતની જનતાની માફી માંગી હતી.