અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી પ્રચાર શરૂ કરી દીધો છે પણ હજુ કોંગ્રેસ ડાંગ, કપરાડા અને લિંબડી એ ત્રણ બેઠકના ઉમેદવાર નક્કી કરી શકી નથી. બીજી તરફ કરજણ બેઠક પર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ બેઠક પર ધર્મેશ પટેલ પ્રબળ દાવેદાર હતા પણ કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરતાં ઉમેદવાર સામે અસંતોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ બેઠક પાટીદાર સમાજના ઉમેદવાર માટે સરળ હોવાથી જાડેજાને બદલીને પાટીદારને ટિકિટ આપવા માગ ઉઠી છે.

કરજણના કાર્યકરોએ મંગળવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતી સમક્ષ રજૂઆઆત કરી હતી. કરજણના સ્થાનિક નેતા-કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ પાટીદારને ટિકીટ આપવા માંગ કરી હતી.

આ પહેલાં કચ્છના અબડાસામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરૂધ્ધ પ્રચાર કરનારાંને ટિકીટ આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા કૈલાશદાન ગઢવીએ રાજીનામુ ધરી દીધુ હતું. આમ, ચૂંટણી વખતે જ કોંગ્રેસમાં ભડકો થયો છે અને નારાજગીના સૂર ઉઠયા છે. તેના કારણે કોગ્રેસે બાકી રહેલા ત્રણ બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત કરી શકી ન હતી. દિલ્હીમાં આ ત્રણેય બેઠકોના ઉમેદવાર મુદ્દે મંથન ચાલી રહ્યુ છે એવો કોંગ્રેસનો દાવો છે પણ વાસ્તવમાં સ્થાનિક અસંતોષ કારણભૂત છે.