અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વિજય રૂપાણી સરકાર કોરોના નાથવા માટે આક્રમક રણનીતિ અમલી બનાવી છે. આ રણનીતિના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને મળવા બોલાવ્યા છે. રૂપાણીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને તાત્કાલિક રીતે મળવા તેડું મોકલ્યું છે.

રૂપાણીએ જેમને બોલાવ્યા છે તેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સમાવેશ થાય છે.



અમદાવાદમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા હોટ સ્પોટ વિસ્તારોમાં વધી રહી છે. ઇમરાન ખેડાવાલાના જમાલપુર મતવિસ્તાર, ગ્યાસુદિન શેખના દરિયપુર મતવિસ્તાર અને શૈલેષ પરમારના દાણીલીમડા બેઠકના મતવિસ્તારમાં મહત્તમ હોટ સ્પોટ આવે છે. આ ત્રણેય મતવિસ્તારમાં કોરોના કાળ બની ત્રાટક્યો છે ત્યારે તેને નાથવા માટે શું કરવું તેની ચર્ચા કરવા માટે રૂપાણીએ તેમને બોલાવ્યા હોવાનું મનાય છે.