Ahmedabad : ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.  ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર  7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે.  જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે, જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને  1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. 






5 ધારાસભ્ય, 2 નેતા કાર્યકારી પ્રમુખ બન્યાં 
ધારાસભ્ય લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ,  કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે. આમાંથી  પ્રથમ પાંચ ધારાસભ્ય છે, જયારે અંતિમ બે નેતા  કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ધારાસભ્ય નથી. જો કે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આ તમામ નેતાઓનનું કદ વધી ગયું છે. 


પહેલા એક જ કાર્યકારી પ્રમુખ હતા 
ગુજરાત કોંગ્રેસમાં પહેલા એક જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હતા જે પાટીદાર નેતા હતા. જો કે હવે 5 કાર્યકારી પ્રમુખ અને એમાં પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર કહેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં અને ભાજપમાં જોડાયા બાદ ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ નીમવાની ચર્ચાઓ ચાલી રહી હતી. 


પ્રદેશ નેતાઓની હાઈકમાન સાથે બેઠક 
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.