Congress: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ કોંગ્રેસની કોર કમિટી બેઠકમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ આવ્યા બાદ મુકુલ વાસનીકે કહ્યું,
કોંગ્રેસના આવનાર દિવસના કાર્યક્રમો નક્કી કરાશે. ગુજરાતમાં ખોવાયેલી રાજકીય જગ્યાને પુનઃ મેળવીશું.
સંગઠનમાં સમયાંતરે જરૂરી બદલાવ કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસ આક્રમકતાથી લડશે.
6 રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણી અંગે શું કહ્યું
6 રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓના પરિણામો અંગે મુકુલ વાસનીકે નિવેદન આપતાં કહ્યું, પેટા ચૂંટણીના પરિણામો ગઠબંધનની માત્ર શરૂઆત છે. I.N.D.I.A એલાયન્સથી પ્રજામાં આત્મવિશ્વાસ ઉભો થયો છે. ભવિષ્યમાં પણ I.N.D.I.A એલાયન્સ સારા પરિણામો આપશે.
રાજ્યસભાના સાંસદ વાસનીકના માથે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનો સૌથી મોટો પડકાર છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી પદેથી હટાવાયા હતા. ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીનું પદ ખાલી હતું. કેન્દ્રમાં મોટું નામ ધરાવનાર મુકુલ વાસનીક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે 2014 અને 2019માં તમામ 26 બેઠકો હારેલી કોંગ્રેસ માટે વાસનીક કેટલા લકી સાબિત થાય છે તે જોવું રહ્યું. પણ હાલ તો મિશન 2024ના જંગ માટે શક્તિસિંહને મુકુલ વાસનીકનો સાથ મળ્યો છે. અને આ જોડી કેટલી સફળ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પ્રભારીની નિમણૂંક સાથે હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ નવા બદલાવ આવશે તે નક્કી છે.
27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. પિતા રાજકારણમાં હોવાથી તેમના પગલે મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા. પિતા બાલકૃષ્ણની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા હતા. તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનારા નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષ 1984થી 1986 સુધી તેઓ એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. તેમજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.