અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફરી કોંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપ્યું છે. સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટીના ડાયરી અર્પણ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા અને જગદીશ ઠાકોર બંને હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોર અને શંકરસિંહ વાઘેલા વચ્ચે શુભેચ્છાની આપ-લે થઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસને ઘણા સમય પહેલા અલવિદા કહી જનાર શંકરસિંહ વાઘેલાના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે, સંઘર્ષનું બીજુ નામ એટલે શંકરસિંહ બાપુ. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલાનાં વખાણની સાથે સાથે કોંગ્રેસમાં આવવા આડકતરું આમંત્રણ પણ આપી દીધું હતું.


ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આશા અને વિશ્વાસ રાખું છું કે આવતા દિવસોમાં શંકરસિંહ વાઘેલા ગુજરાતને દોરવણી આપતા બાપુ બને અને  આવતા દિવસોનું ભવિષ્ય બાપુનાં કરકમલોથી લખાય. કોંગ્રેસનાં સૂત્રોના મતે, પાટીદારોના સામાજિક આગેવાનો સાથે સાથે કોંગ્રેસના જુના જોગીઓને પણ કોંગ્રેસમાં જોડવા એકશન પ્લાનના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. 


વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, 4 જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદી પ્રક્રિયા થશે શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. 4 જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રથમ બેઠક મળવાની છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથની બેઠકો માટે ચર્ચાનો પ્રારંભ થશે. 


2017માં આ ચારેય જિલ્લાની બેઠકો પર ચૂંટણી લડેલા લોકો સાથે ચર્ચા કરશે. ચારેય જિલ્લાના આગેવાનો સાથે પણ પ્રભારી રઘુ શર્મા ચર્ચા કરશે. 2017ની ચૂંટણી જીતેલા અને હારેલા તમામ લોકો સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં કે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ચૂંટણીને હવે નવ જ મહિનાની વાર છે, ત્યારે કોંગ્રેસે અત્યારથી જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.