AHMEDABAD : સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાતના પ્રમુખ અને અન્ય લોકો આજે 13 ઓગસ્ટ કોંગ્રેસમાં જોડાયા. વાલ્મીકિ સમાજના પ્રમુખ જીતુભાઈ બારૈયાએ કહ્યું કે ભાજપ સરકારે  વાલ્મીકિ  સમાજ સાથે અન્યાય કર્યો છે.  વાલ્મીકિ  સમાજને ભાજપે માત્ર મજૂર બનાવ્યો છે. પોરબંદરના પૂર્વ નગરસેવક નાથાભાઈ કઠેચા પણ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તમામ લોકોને પક્ષમાં આવકાર્યા અને કહ્યું કે વાલ્મીકિ સમાજના પ્રશ્નો માટે કોંગ્રેસ લડશે. સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત સંગઠન સાથે કોંગ્રેસ લડત ચલાવશે. તેમણે એમ પણ કહ્યું કે  159 નગરપાલિકાના સફાઈ કામદારોની લડતમાં કોંગ્રેસ સાથે રહેશે. 


ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તેમજ રાજસ્થાનના મુખ્યપ્રધાન  અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અશોક ગેહલોત16 ઓગસ્ટના રોજ રાજસ્થાનથી સીધા સુરત આવશે. સુરતમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે. 16 તારીખે બપોર પછી તેઓ રાજકોટ પહોંચશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે અને 16 મી ઓગસ્ટે રાત્રે વડોદરા પહોંચશે.


17 મી તારીખે અશોક ગેહલોત મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. 17 મી તારીખે બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. 18 મી તારીખે અમદાવાદમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ચૂંટણી ઢંઢેરા માટે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. આ સાથે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડિજિટલ પ્રચારની શરૂઆત કરાવશે. 


કોંગ્રેસે અશોક ગેહલોતને આપી મોટી જવાબદારી 
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.