AHMEDABAD : મિશન 2022ને લઈ કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 4થી ઓગષ્ટના રોજ ગુજરાત આવશે. અશોક ગેહલોત  ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને  આખરી આપો આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરવામાં આવશે તો સાથે જ સિનિયર નિરીક્ષકોને અશોક ગેહલોત માર્ગદર્શન આપશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલઈ  બેઠક હવે 4 ઓગષ્ટના રોજ થશે. 


કોંગ્રેસે અશોક ગેહલોતને આપી મોટી જવાબદારી 
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ગુજરાત અને હિમાચલમાં કોંગ્રેસની ‘પરીક્ષા’
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી પાર્ટી સત્તાથી બહાર છે અને હાર્દિક પટેલ જેવા નેતાઓના ચાલ્યા જતા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં તે પહેલીવાર વીરભદ્ર સિંહની ગેરહાજરીમાં ચૂંટણી લડશે. પાર્ટીએ તેમની પત્ની પ્રતિભા સિંહને મહત્વની જવાબદારી સોંપી છે. અહીં પાર્ટી પણ જૂથવાદમાં વહેંચાયેલી જોવા મળી રહી છે અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારે પણ તેની ચિંતામાં વધારો કર્યો છે.


5 રાજ્યોમાં હારના આઘાતને દૂર કરવાનો પ્રયાસ કરશે
આ વર્ષે માર્ચમાં યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પહેલી વિધાનસભા ચૂંટણી હશે. આવી સ્થિતિમાં આ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર મહત્વ રહેશે.