અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણમાં ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક પછી એક છૂટ આપી રહી છે. આગામી 7મી જૂનથી તમામ સરકારી કચેરીઓમાં 100 ટકા કર્મચારીઓ સાથે કામ શરૂ થવાનું છે. ત્યારે હવે રાજ્યની કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગને લઈને હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે.
આગામી 7 જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતો ફીઝીકલ હિયરિંગ માટે શરૂ કરવાનો હાઇકોર્ટે નિર્ણય લીધો છે. માત્ર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોન્ફરન્સથી ચાલશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.કોરોનાના ઘટેલા કેસોને લઈને નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં કઈ તારીખથી સરકારી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ સાથે કામ થશે શરૂ?
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે અને લોકોને રાહત આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપ્યા પછી હવે સરકારી કચેરીઓના કામકાજને લઈને મોટી જાહેરાત કરી છે.
રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતી કાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 191 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 80 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 104 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 57 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત ?
અમદાવાદ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ 1, ભાવનગર 1, સાબરકાંઠા 1, જામનગર 1, મહીસાગર 1 અને છોટા ઉદેપુરમાં 1 મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં રસીકરણ
જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી.
રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે. આજે 3,018 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.