Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર બે તબકકામાં મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


અમદાવાદના સિનિયર સિટીઝન્સમાં ચૂંટણીને લઈ શાનદાર ઉત્સાહ


રાજ્યમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે આ તરફ ચૂંટણી પંચે ત્રણથી સાડા ત્રણ લાખ નવા મતદારો ઉમેરાયા હોવાની માહિતી આપી તો બીજી તરફ સિનિયર સિટીઝનનો આંકડો નવ લાખને પાર કર્યો છે. અમદાવાદના આવા જ સિનિયર સિટીઝનો જુસ્સો આ ચૂંટણીમાં પણ યથાવત છે. અમરાઈવાડીમાં રહેતા પંડ્યા દંપત્તિ આ વખતે ચૂંટણી પંચે આપેલી સુવિધા નો ઉપયોગ કરીને ઘરેથી મતદાન કરશે તો આ પહેલા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પણ તેઓ મતદાન કરી ચૂક્યા છે. પંડ્યા દંપત્તિનું માનવું છે કે મતદાન એ આપણો પ્રથમ અધિકાર છે અને જો મત ના આપીએ તો પછી ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી. આ ઉપરાંત અનેક નેતાઓ એવા પણ છે કે જે મત માગ્યા બાદ પાંચ વર્ષ દેખાતા નથી અને તે પછીની ચૂંટણીમાં મુલાકાત લે છે આવા નેતાઓથી ચેતતા રહેવું


101 વર્ષના વિમળાબેન રાઠોડ  વહેલા ઉઠીને મતદાન કરશે

અમદાવાદના 101 વર્ષના વિમળાબેન રાઠોડ સ્વીકાર કરી રહ્યા છે કે ચૂંટણીના દિવસે સવારે વહેલા ઊઠીને તેઓ પોતાનો મત આપવા જશે તો સાથે તે પણ સ્વીકાર કરી રહ્યા છે કે મતદાન અંગે જાગૃતિ હોવી જરૂરી છે. કોઈપણ નવા મતદારને આગ્રહ પૂર્વક મત આપવા ન મોકલવા જોઈએ. તો બીજી તરફ તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવનાર સુવિધાઓનો ઉપયોગ નહીં કરે પરંતુ બૂથ ઉપર જઈને મતદાન કરશે.


સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?


 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.


તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.