Gujarat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી  પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પ્રચાર કરવા ગુજરાતમાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નર્મદાના ડેડિયાપાડામાં જનસભા સંબોધી હતી. સાંજે તેમણે અમદાવાદમાં જનસભા સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું,  માહોલ કોંગ્રેસની તરફેણમાં છે, 125થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે.



મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું,  તેઓ ડબલ એન્જિન સરકાર વિશે વાત કરે છે. પરંતુ તેમની કેન્દ્ર સરકારનું એન્જિન કામ કરતું નથી અને ગુજરાત સરકારનું એન્જિન બગડી ગયું છે, એટલે જ વારંવાર મુખ્યમંત્રી બદલાય છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં તમામ વર્ગોને સાથે લેશે. 


મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર પ્રહાર


નર્મદાના ડેડિયાપાડામાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જનસભા સંબોધતા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ ચૂંટણી દેશ માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. નહરુજીએ લોકતંત્રનો પાયો નાખ્યો છે તેમજ કોંગ્રેસના કાળમાં મજબૂતીથી કામ થયા છે.  તેમણે જણાવ્યું કે અમે ફૂડ સિક્યુરિટિ એક્ટ લાવ્યા છીએ નરેગા યોજનાની મજાક ઉડાવાઈ રહ્યાં છે પરંતુ કોવિડના સમયમાં નરેગા યોજના કામ આવી છે. 


 


કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનું ચોંકાવનારુ નિવેદન


રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.


ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.