Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થયું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો મેગા રોડ શો શરુ થયો છે.  નરોડાથી પ્રધાનમંત્રી મોદીએ રોડ શોની શરુઆત કરી છે. આ રોડ શો 32 કિલોમીટર સુધી ચાલશે. આ રોડ શોમાં 14 વિધાનસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.


આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાની બેઠકો માટે પીએમ મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ આજે અગાઉ કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. 


અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો યોજાઇ રહ્યો છે.  પીએમ મોદીનો અમદાવાદમાં આ પહેલો રોડ શો છે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 14 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.  


આ રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું અલગ-અલગ જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે. જેને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા છે.


પીએમનો આ રોડ શો જે બેઠકો પરથી પસાર થઈ રહ્યો છે તેમાંથી 2017માં ભાજપે 11 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 3 બેઠકો મળી હતી. વડાપ્રધાને 6 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.


 પીએમ અત્યાર સુધીમાં 33માંથી 23 જિલ્લામાં રેલીઓ કરી ચૂક્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ 28 રેલી અને 2 રોડ શો કર્યા છે. આજે પીએમનો ત્રીજો રોડ શો છે. પીએમનો આ રોડ શો આ બેઠકોમાંથી પસાર થશે - નરોડા - ઠક્કર બાપાનગર - બાપુનગર - નિકોલ - અમરાઈવાડી - મણિનગર - દાણીલીમડા - જમાલપુર - ખાડિયા - એલિસબ્રિજ - વેજલપુર - ઘાટલોડિયા - નારણપુરા - સાબરમતી - ગાંધીનગર દક્ષિણ.


પીએમ મોદીએ ગુરુવારે રોડ શો પહેલા ઘણી જગ્યાએ જાહેર સભાઓને સંબોધિત કરી હતી. સૌથી પહેલા પીએમે કલોલમાં રેલી યોજી હતી. અહીં એક જનસભાને સંબોધતા પીએમએ કહ્યું કે 2014 પહેલા કોઈએ વિચાર્યું ન હતું કે ભારત મોબાઈલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકે છે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે.