ગાંધીનગર: જ્ઞાનસેતુ ડે સ્કુલ પર રાજ્ય સરકારે યુ ટર્ન લીધો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે યું ટર્ન અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધોરણ 10માં યોગ્ય પરિણામ આધારિત શાળાઓ ઓછી હતી. ધોરણ 6થી 12 સુધી અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે. ફી 20 હાજર કરતા ઓછી હોય તો વધારાના નાણાં વિદ્યાર્થીના વાલી પાસે બચશે. ખાતાકીય તપાસ અને સીએમ ડેસ્કબોર્ડ અંગે નિર્ણય લેવાયો છે. ત્રણ મહિનામાં તમામ તપાસો પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. 


 



જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પડતો મુકવાની સરકારની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે. જ્ઞાનસેતુનું નામ બદલી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, કાલે સાંજે 6 વાગ્યે આ અંગે abp અસ્મિતાએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. તો બીજી તરફ સ્કોલરશીપમાં પણ સરકારનો ભેદભાવ જોવા મળ્યો છે. સરકારી કરતા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ આપવામાં આવશે. આ અંગે સરકારે કહ્યું કે, અમે ખાનગી શાળાને પ્રમોટ નહીં વિદ્યાર્થીને પ્રમોટ કરીએ છીએ. મંત્રીજીનું કારણ તો જુઓ, ખાનગી સ્કૂલમાં ફી વધુ હોવાથી સ્કોલરશીપ વધુ અપાઈ છે.


તો બીજી તરફ સરકારના આ યુ-ટર્નને લઈ કૉંગ્રેસ  આક્રમક બની છે. સરકારના નિર્ણય પર કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે,  શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. સરકાર ખાનગી શાળાને પ્રોત્સાહન આપવા માંગે છે.


અજ્ઞાનતાના જ્ઞાન ‘સેતુ’ પર ભેદભાવભરી શિષ્યવૃત્તિ


સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યું વલણ સામે આવ્યું છે. શૈક્ષણિક લાયકાતના બદલે શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ સ્કોલરશીપ આપવાની સરકારની પોલિસી છે. સરકારી શાળાને પ્રમોટ કરવાના બદલે ખાનગી શાળાને પ્રમોટ કરતી સરકારની નીતિને સેદ્ધાંતિક મંજૂરી મળી છે.


30 હજાર બાળકોને જ્ઞાનસેતુ સ્કોલરશીપ આપવામાં આવશે. ધોરણ 6થી 8ના બાળકોને 20 હાજર મળશે. ધોરણ 9 અને 10 ના બાળકોને 22 હજાર મળશે જ્યારે ધોરણ 11 અને 12ના બાળકોને 25 હજાર સ્કોલરશિપ મળશે. આ સ્કોલરશીપ માત્ર ખાનગી શાળામાં અભ્યાસ કરનાર બાળકને જ મળશે.


તો બીજી તરફ સરકારી શાળામાં ધો. 6થી 8ના બાળકોને રૂપિયા  3 હજાર મળશે. સરકારી શાળાના ધો. 9 અને 10ના બાળકોને રૂપિયા 5 હજાર મળશે જ્યારે સરકારી શાળાના ધોરણ 11 અને 12ના બાળકોને રૂપિયા 7 હજાર મળશે. આમ સરકારી શાળ કરતા પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સ્કોલરશીપ મળશે.


સરકારની આ જાહેરાત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું સરકાર સરકારી શાળાને બદલે પ્રાઈવેટ શાળાને પ્રમોટ કરી રહી છે. સ્કોલરશીપની જે રકમ સામે આવી છે તેમાં 17 હજાર રુપિયા સરકારી કરતા ખાનગી શાળાના બાળકોને વધારે મળે છે. આમ સૌ કોઈ જાણવા માગે છે કે, એસી ઓફીસમાં બેસીને સરકારી બાબુઓ કેમ આવી પોલીસી બનાવી રહ્યા છે. સરકારી શાળામાં ભણતા બાળકોને ખોળ અને પ્રાઈવેટ સ્કૂલમાં ભણતા બાળકોને ગોળ આપવાની સરકારની નીતિ સામે આવી છે.