ગાંધીનગર: રાજ્યમાં હાલમાં TRB જવાનોને છૂટ્ટા કરવાનો મુદ્દો જોરશોરથી ગુંજી રહ્યો છે. રાજ્ય પોલીસ વડાએ હજારોન TRB જવાનોને છૂટ્ટા કરવાની જાહેરાત કરતા મામલો ગરમાયો છે. આજે માહિતી સામે આવી છે કે, TRB જવાનોને છૂટા કરવા મુદ્દે સરકાર યુ-ટર્ન લઈ શકે છે. સાંજ સુધીમાં જૂના TRB જવાનો મુદ્દે સરકાર નવી જાહેરાત  કરી શકે છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અંગે સંકેત આપ્યા છે. પાટીલે કહ્યું કે, સાંજ સુધીમાં સારા સમાચાર મળશે. જો કે, સુત્રોએ એમ પણ કહ્યું છે કે,  શિસ્ત ભંગ કરનાર TRB જવાનને પરત નહીં લેવાય જ્યારે અન્ય ટીઆરબી જવાનો અંગે સરકારે મહત્વની જાહેરાત કરી શકે છે.


શું છે મામલો?


રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી TRB જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના હજારો TRB જવાનની રોજગારી બંધ થઈ ગઈ છે.




 

 




 

 


રાજ્યના 9000 પૈકી 6300 TRB જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આવતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવ્યો છે. રાજ્યના 9 હજાર પૈકી 6300 જેટલા TRB જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર TRB જવાનોને 31મી ડીસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે. આ ઉપરાંત 3 વર્ષથી વધૂ સમય પુર્ણ થયેલ હોઇ તેવા TRB જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો છે.


ટીઆરબી જવાન એટલે શું ?
ટીઆરબી (TRB)નો અર્થ થાય છે ટ્રાફિક બ્રિગેડ. તમને જણાવી દઈએ કે, તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં 'ટ્રાફિક વોર્ડન' તરીકેની છે. ટીઆરબી જવાનને  પોલીસ કહી ન શકાય. તેમની કામગીરી માત્ર ટ્રાફિકનું નિયમન કરવાની છે. તેમની પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમનું મુખ્ય કામ માત્ર ટ્રાફિક નિયમનનું જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી. જો કે,ઘણીવાર ટીઆરબી જવાનની કામગીરીને લઈને સવાલો પણ ઉઠ્યા છે.