અમદાવાદ : કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદીમાં નવી જ્ઞાતિઓનો સમાવેશ કરવા અંગેની સત્તા રાજ્ય સરકારોને આપતું આ બિલ પાસ થઈ જતાં હવે ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા મળી ગઈ છે. તેના પગલે ગુજરાત સરકારની ઓબીસીમાં કઈ કઈ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે નિર્ણય લેવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના કરશે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંકમાં જ એક પંચ નિમશે કે જે ગુજરાતમાં કઇ જ્ઞાાતિનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે તે અંગે નિર્ણય લેશે. જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ વાતને સમર્થન આપ્યું છે.


ગુજરાતમાં અત્યારે ઓબીસીમાં 146 જ્ઞાતિનો સમાવેશ કરાયો છે. આ સિવાય બીજી કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તેનો નિર્ણય આ પંચ લેશે. ગુજરાતમાં કઇ જ્ઞાતિ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત છે તે અંગે રાજ્ય સરકારના આદેશ બાદ આ પંચ દ્વારા અભ્યાસ કરાશે. જે જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવાની ભલામણ કરાઈ હશે તે જ્ઞાાતિ વાસ્તવિક રીતે પછાત છે તેવુ સાબિત થયા બાદ તેનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે.


રાજ્ય સરકાર માટે આ મુદ્દો માથાનો દુઃખાવો બની શકે છે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી વખતે જ આ સળગતો મુદ્દો ભાજપ સરકારને રાજકીય રીતે દઝાડી શકે છે. એક બાજુ, પાટીદારો  ઓબીસીમાં સમાવવા તલપાપડ બન્યા છે તો બીજી બાજુ, ઓબીસી જ્ઞાાતિઓ વિરોધ કરવાની તૈયારીમાં છે. આ જોતાં ભાજપ સરકાર માટે પાટીદારોને સાચવવામાં કયાંક ઓબીસી જ્ઞાતિ નારાજ ન થાય તેની ભિતી સરકારને સતાવી રહી છે.


ગુજરાતમાં પાટીદાર સહિતની જ્ઞાતિઓ ઓબીસી અનામતની માગણી કરી રહી છે પણ પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન છે. હવે અન્ય જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવી પણ સરકાર માટે પડકારરૂપ બનશે. અન્ય જ્ઞાતિઓનો સમાવેશ કરાશે તો ભાજપ સરકારને ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓની નારાજગી વ્હોરવી પડે તેમ છે. તેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મુકસાન થઈ શકે છે. હાલમાં રાજ્યમાં 146 જ્ઞાતિનાં એટલે કુલ વસતીના 48 ટકા લોકો ઓબીસીનો દરજ્જો ધરાવે છે.