અમદાવાદઃ ગુજરાત સરકારે મધ્યાહ્ન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓના પગાર રોકવાનો નિર્ણય લેતાં વિવાદ થાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારે શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના માનદ વેતન રોકવાનો વિવાદાસ્પદ ઠરાવ કરવામાં આવ્યો છે.


રાજ્યના મધ્યાહન ભોજન યોજના ના સંયુક્ત કમિશનરે આ ઠરાવ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને મોકલી આપ્યો છે. આ વિવાદાસ્પદ ઠરાવથી મધ્યાહ્ન ભોજન યોજના સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓના પરિવારોને અસર થશે. અત્યંત ઓછો પગાર ધરાવતા આ પરિવારોની હાલત બગડી જશે.

આ ઠરાવ અંગે રાજ્ય સરકાર દ્વારા દાવો કરાયો છે કે, હાલ શાળાઓ શરૂ થઈ નથી તેથી મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે રસોઈ પણ બનતી નથી. આ સંજોગોમાં કેન્દ્ર સંચાલક, રસોઈયા અને મદદનીશને માનદ વેતન ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમણે કહ્યું છે કે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવાનો નિર્ણય કર્યો છે તેથી કર્મચારીઓને પગાર નહીં ચૂકવાય. તેમણે સ્પષ્ટતા કરી છે કે, મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને માનદ વેતન ચૂકવવા અંગે જુલાઈમાં નિર્ણય લેવાશે.