તેમણે જણાવ્યું હતું કે, રસીને લઈ કોઈ ઉતાવળ કરવામાં આવતી નથી. કરોડો લોકોના સ્વાસ્થ્યને સ્પર્શતી બાબત હોવાથી સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. ઇન્ફેક્શનની ચેન બ્રેક ન થઇ જાય ત્યાં સુધી માસ્ક તો પહેરવો જ પડશે. મોટાપાયે વેક્સિનેશન ન થઇ જાય, તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વિકસે નહિ ત્યાં સુધી માસ્ક પહેરવો જરૂરી છે. રાજ્યમાં સંક્રમણની સ્થિતિ તપાસવા આઈસીએમઆરનો ફરી સેરો સર્વે, અગાઉના સર્વેમાં રાજ્યમાં 17 ટકા વસ્તી સંક્રમિત થઇ હોવાની હકીકત બહાર આવી હતી. હાલના સંશોધન અનુસાર કોરોના થયા બાદ અઢીથી ત્રણ મહિના એન્ટીબોડી રહે છે. વેક્સિનેશન અભિયાન માટે co win નામે ડીઝીટલ પ્લેટફોર્મ તૈયાર છે.
co win પ્લેટફોર્મ ઉપર રસીકરણના સંભવિત લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. વેક્સીન સેન્ટરની એન્ટ્રી કરવામાં આવી રહી છે, કોણે ક્યારે વેક્સિન લેવા આવવાનું છે તેની જાણ પણ ડીઝીટલ પ્લેટફોર્મથી થશે. વેક્સિન સેન્ટર ઉપર ત્રણ અલગ અલગ રૂમ હશે. વેઇટિંગ, વેક્સિન અને ઓબ્ઝર્વેશન રૂમની વ્યવસ્થા હશે. વેક્સિન આપ્યા બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામા આવશે. વેક્સિન આપ્યા બાદ કોઈ આડઅસર થાય છે કે નહિ તેની પણ સમીક્ષા થશે. જો કોઈ રિએકશન આવે તો તાત્કાલિક જરૂરી સારવાર માટેની સ્થળ ઉપર વ્યવસ્થા હશે.
રાજ્ય અને જિલ્લા કક્ષાએ તબીબી તજજ્ઞોની સમિતિ બનશે. કોઈ પણ વેક્સિનમાં કેટલાક પ્રમાણમાં રિએક્શનની શક્યતા રહેતી જ હોય છે. કોરોનાની રસી આપ્યા બાદ આડઅસર પણ થઇ શકે છે. રાજ્યોએ બધી જ તૈયારી રાખવી, તેમ કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.