અમદાવાદઃ મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અનામતના મુદ્દે રાજ્ય સરકારે 1- 8-2018ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી છે. 1- 8-2018ના પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈકોર્ટે માન્ય રાખી છે. કોર્ટનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જારી કરાશે.

ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો હોય, પણ જો તેણે મહિલા અનામત લેવી હોય તો તેને જે તે અનામત કેટેગરીમાં ગણી શકાય. સરકારના પરિપત્રની આ જોગવાઈ ભરતી નિયમોથી વિપરીત હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. કોર્ટના આ હુકમની સીધી અસર એ હશે કે ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોને ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે તે અનામતની કેટેગરીમાં ન ગણવી. હવે પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળતા હતા તે જ પ્રમાણે ના લાભ મહિલાઓને પણ ઓપન કેટેગરી અને અનામતના લાભ મળશે.