અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના જજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આજે આપેલા મોટા ચુકાદામાં કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતને રદ કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે આ જીતને પડકારતી અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરવાનો આદેશ આપતા ચૂડાસમાને મોટો ફટકો પડ્યો છે. ભાજપ માટે પણ શરમજનક સ્થિતીનું નિર્માણ થયું છે. આ કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજી પર બે વર્ષ ઉપરાંત ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ મોટો ચુકાદો આપ્યો છે.
2017માં વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ઉમેદવારી કરી હતી. પાતળા માર્જિનથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ચૂંટમીના ઈલેક્શન પિટિશનના રૂપે અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારીહતી. તેમણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે ભ્રષ્ટ આચરણ તેમજ મતગણતરીમાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા હતા.
આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ કરવાનો નિર્ણય ગેરકાયદેસાર હોવાનો ચુકાદો આપ્યો છે. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.