અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યની આઠ વિધાનસભા બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ મોકૂફ રાખવાની માંગ સાથે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી કોર્ટે ફગાવી દીધી છે.


ચૂંટણી યોજવા અંગે કે મોકૂફ રાખવા અંગે ચૂંટણી પંચે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી તેવી ચૂંટણીપંચની રજૂઆત બાદ અરજદારે કરેલી અરજી હાલના તબક્કે પ્રિમેચ્યોર હોવાનું ટાંકીને હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતાં આઠ બેઠકો ખાલી પડી છે. નિયમ પ્રમાણે બેઠક ખાલી પડ્યા પછી છ મહિનામાં ચૂંટણી યોજવાની હોય છે. જોકે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી મુલતવી રાખવા માટે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં ચૂંટણીપંચે સોગંદનામું કર્યું હતું અને હજુ સુધી ચૂંટણી યોજવાને લઈને કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

નોંધનીય છે કે, ગુજરાતમાં મોરબી, ગઢડા, લીંબડી, અબડાસા, કરજણ, ડાંગ, કપરાડા અને ધારી બેઠક ખાલી પડી છે. જ્યાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે.