અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ અને સુરતની સ્થિતિ બદતર છે. અમદાવાદમાં કોરોનાનો કેસ એક લાખને પાર થઈ ગયો છે. આ દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકો લોકડાઉન રાખવામાં આવી રહ્યા છે.


વસ્ત્રાપુર અને ચાંદલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા વેપારીઓ બે વાગ્યા બાદ માર્કેટ બંધ રહેશે. સાબરમતી વિસ્તારમાં પણ તમામ દુકાનો બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે. દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 19 એપ્રિલથી આ નિર્ણય લાગુ થશે.  


 નરોડા વિસ્તારમાં 20 એપ્રિલથી ત્રણ દિવસ સુધી જરૂરી વસ્તુઓને છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. નરોડા વેપારી ઓસોસિએશન તથા નરોડા ગ્રામજનો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દૂધ, દવા અને અન્ય જીવનરુરી વસ્તુને છોડીને અન્ય તમામ દુકાન બંધ રહેશે.


ગોતા વિસ્તારમાં આવેલી મલાબાર કાઉન્ટી વિભાગ 2 માં 400 મકાનોના માલિકોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.  સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં પણ વેપારીઓ બંધ પાળશે.


CTM થી રામોલના પટ્ટામાં વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન. કોરોનાની ગંભીરતા સમજાવવા 300 થી વધુ વેપારીઓ સામે આવ્યા અને બે દિવસ બંધનું એલાન કર્યુ છે.


અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ


અમદાવાદ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં જ નવા 29 હજાર 587 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સરેરાશ દસ લાખની વસ્તીએ 13 હજાર 666 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર પણ 2.60 ટકા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ ગયા વર્ષે 18 માર્ચે નોંધાયો હતો અને 50 હજાર કેસ પૂરા થવામાં 257 દિવસ થયા હતા. આ પછી 50 હજારથી એક લાખ કેસ માત્ર 139 દિવસમાં જ નોંધાયા છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં કોરાનાનું સંક્રમણ એટલુ વધ્યુ કે સતત એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.


માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીના કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યારબાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે. જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.


એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીના મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યાર સુધીમાં લગભગ 30 હજાર કેસ આવી ચૂક્યા છે. સતત વધતા કેસથી ખાનગી હોસ્પિટલોના બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયા છે. કોવિડની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોના કુલ 864 આઈસીયુ બેડ છે.