અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ પછી અમરેલીના લીયામાં 6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા અને કલ્યાણપુરમાં 5.5 ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના જાફરાબાદ અને ભરુચમાં સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં 121 તાલુકામાં એક ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.


આ સિવાય ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના બગસરા, ભાવનગરના જેસર, જામનગર, અમરેલી, લાલપુર, કાલાવડ, કેશોદ, રાજુલા, કુતિયાણા, વાગરા, તાલાલા, માળિયા, ગારિયાધારમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખંભાત, ભેસાણ, ભાવનગર, દ્વારકરા, મુન્દ્ર, તલાજા, લોધિકા, મેંદરડા, અંજાર, અંકલેશ્વર, હાંસોટ પાલિતાણા અને ગારિયાધારમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 










ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો. હવામાન વિભાગે આપ્યા છે રાહતના આ સમાચાર. હવામાન વિભાગના અનુસાર અરબ સાગરમાં 'શાહીન' નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.


 


દરિયાકાંઠે પવનની ઝડપથી પ્રતિ કલાક 60ની રહેશે. માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આ સીઝનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ગુજરાત ઝોનમાં ફક્ત 3 ટકા જ વરસાદની ઘટ છે. જે એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે.


 


ડેમ એલર્ટ પર


 


ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 103 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.





 





 


 


જ્યારે કચ્છમાં 94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 90 ટકા અને મધ્ય ગુજરાતમાં 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ વરસ્યો છે.સારા વરસાદથી જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે.


 


રાજ્યમાં 65 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 53 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 100 હાઈએલર્ટ પર છે. જ્યારે 8 ડેમ એલર્ટ પર છે.


 


નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર. તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 82 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.