ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ અમરેલીના લાઠી તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. તો અમદાવાદના ધંધુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ચુડામાં 18 મીમી, જેસરમાં 11 મીમી, બાવળામાં 9 મીમી, રાણપુરમાં 6 મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ધોળકા, ધોલેરા, વીરમગામ, વલ્લભીપુર, ગારિયાધારમાં પણ વરસાદ ખાબક્યો હતો.
અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાળ ઠવી વિરડી અને વંડા માં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસના ગામડાઓમા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પુર હોય ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે.
ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. ઢસા, ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને બફારાથી રાહત મળી છે.
ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજૂ વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. જો કે હજુ પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફુકાઈ રહ્યા છે.
અમરેલી જિલ્લામાં આજે જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, દામનગર અને લાઠી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ત્રણેય તાલુકામાં લગભગ છેલ્લા બે કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.
સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત મેકડા, ધોબા, પીપરડી નાળ સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. આ તરફ લાઠી અને દામનગર તાલુકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લાઠી ઉપરાંત આસપાસના હરસુરપુર, દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા, ભગરાડ તો દામનગર તથા આસપાસના પાડરશીગા અને નાના કણકોટમાં વરસાદ વરસ્યો હતો.