Latest Gujarat Monsoon News: રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે અમદાવાદ સહિત ઘણી જગ્યાએ હજુ સારો વરસાદ થયો નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું, છેલ્લા 10 વર્ષમાં વરસાદની પેટર્ન માં કોઈ નોંધપાત્ર ફેર થયો નથી. વરસાદની ઋતુમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડવો સ્વાભાવિક છે. દરિયામાં અલગ અલગ સિસ્ટમ સક્રિય થયા બાદ સૌથી વધુ વરસાદ દરિયાકાંઠા વિસ્તારમાં જ પડે છે. પ્લેનેટોલોજી અને ક્લાઇમેટની પરિસ્થિતિ પ્રમાણે વરસાદમાં તફાવત જોવા મળે છે.
આ ઉપરાંત તેમણે કહ્યુ, આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યેલો અલર્ટ છે. સૌથી વધુ વરસાદ મહીસાગરમાં 26 mm નોંધાયો છે. હાલ શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરે, બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સુરેન્દ્રનગર,રાજકોટ, બોટાદ,મોરબી, ભાવનગરમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને, નગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર ડેમ છલોછલ છે. સરદાર સરોવર ડેમમાં હાલ 53.67 ટકા જળસંગ્રહ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓફશોર ટ્રફના કારણે 30 જુલાઈ સુધીમાં દક્ષિણ - મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, છોટાદેપુર, ડાંગ, પંચમહાલમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહીત અન્ય ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગરવિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે.