ગુજરાત હાઈકોર્ટે દહેજ ઉત્પીડનના એક કેસની સુનાવણી દરમિયાન આકરી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે મહિલાઓ પોતાના પતિ અને સાસરિયાઓ પર દબાણ લાવવા માટે દહેજના ખોટા આરોપો લગાવે છે. ઘરેલું હિંસા અને ક્રૂરતાના કિસ્સાઓને વધુ ગંભીર બનાવવા માટે તેઓ આવું કરે છે. માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ હાઈકોર્ટે પણ અનેક મામલામાં જોયું છે કે અતિશયોક્તિપૂર્ણ આક્ષેપો કરવાની વૃત્તિ વધી રહી છે. પતિના દરેક સંબંધીઓને આમાં ફસાવવામાં આવે છે. કોર્ટે કહ્યું કે જો તેમાંથી કોઈ પાવરફૂલ હોય અથવા કોઇ નબળી સ્થિતિ વાળું હોય તો તે સોદાબાજી અને બ્લેકમેઇલિંગનો સરળ શિકાર બની જાય છે.


જસ્ટિસ ડીએ જોશીએ 2019માં એક મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ સામે નોંધાવેલી FIRને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. મહિલાએ તેમના પર IPCની કલમ 498A હેઠળ ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો. મારપીટ અને ખરાબ વ્યવહાર અને ગુનાહિત ધાકધમકીનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે દહેજ નિષેધ કાયદાની જોગવાઈઓ પણ ટાંકી હતી. બાદમાં ઘરેલુ હિંસા એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


મહિલાએ આ આરોપો લગાવ્યા હતા


આરોપીએ હાઈકોર્ટમાં જઈને એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આરોપો ખોટા છે. કોર્ટે નોંધ્યું હતું કે લગ્ન જાન્યુઆરી 2018માં થયા હતા. પત્નીએ જૂન 2019માં તેનું વૈવાહિક ઘર છોડી દીધું હતું. આ પછી તેણે એફઆઈઆર અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. બાદમાં તેણી એફઆઈઆર રદ કરવા સહમત થઈ હતી. તે તેના પતિ સાથે રહેવા પાછી ગઈ હતી. પરંતુ બાદમાં તે ફરીથી તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. તેણે જાતે જ પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું હતું.


અતિશયોક્તિપૂર્ણ આક્ષેપો કરવાની વૃત્તિ વધી રહી છે


કોર્ટે કહ્યું કે આ કેસ દર્શાવે છે કે કેવી રીતે દહેજ અને ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ થઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. જસ્ટિસ ડી.એ.જોશીએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા મામલામાં અવલોકન કર્યું છે કે અતિશયોક્તિપૂર્ણ આરોપો લગાવવાનું ચલણ વધી રહ્યું છે.