અમદાવાદઃ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ રહેવાના એંધાણ રહેલા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે.


અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદ પડી શકે છે. બીજી બાજુ  સૌરાષ્ટ્ર ભરમાં સારો વરસાદ રહેશે.  દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. તેની સાથે પોર્ટ પર 3 નંબરના ભયજનક સિગ્નલ લગાવાયા છે.


ગુજરાતમાં આજે સવારે છ વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં પડ્યો છે. અહીં અડધો ઈચ વરસાદ પડ્યો છે. ઘણી રાહ જોયા બાગ બનાસકાંઠામાં મેઘરાજાની પધરામણી થઈ છે. ધાનેરા તાલુકાના સરહદીય વિસ્તારના ગામડામાં મેઘમહેર થઈ છે. ડીસા, ધાનેરા, દિયોદર, પાંથાવાડા સહિતમાં વરસાદી માહોલ છે. પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સર્જતાં વાતાવરણમાં ઠડક પ્રસરી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.તો શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


રાજ્યમાં અત્યાર સુધી 6.13 ઈંચ સાથે સીઝનનો 18.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે 13 જુલાઇ સુધી 10.37 ઈંચ સાથે મોસમનો 31.70 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.