અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂક્યા હોવાની ચર્ચા છે. આ મંત્રીઓમાં નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સૂચક ટ્વિટ કર્યું છે.


શંકરસિંહ વાઘેલાએ હાલની રાજકીય પરિસ્થિતીમાં ‘અર્જુન’ને નિઃસંકોચ યુધ્ધ કરવા આહ્વાન કર્યું છે. વાઘેલાએ નીતિન પટેલને ‘અર્જુન’ ગણાવીને પોતે તેમના સારથી બનવા તૈયાર હોવાનો સંકેત આપ્યો છે કે શું એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.






વાઘેલાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, આજનું રાજકારણ મહાભારતથી કમ નથી. સિધ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે ત્યારે પોતાના જ પરિવારના કૌરવો સામે લડવું એ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મયુધ્ધ માત્ર સ્વાભામિનની રક્ષા માટે જ નછી પણ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે ત્યારે ‘અર્જુન’એ નિઃસંકોચ યુધ્ધ કરવું જ પડશે. 






ભુપેન્દ્ર પટેલના નવામંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય કનુભાઈ દેસાઇને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 


 


ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.